સમાજ કે રાષ્ટ્ર જીવનનું કોઇપણ અંગ હોય, સંગઠનમાં જ શક્તિ છે. સંગઠનનું અનેરું સ્થાન છે. ટોળા અને શિસ્તબદ્ધ સંગઠનમાં ફરક છે.
એક ગીત પંક્તિ છે:
“સંગઠન ગઢે ચલો સુપંથ પર બઢે ચલો, ભલા હો જીસ મેં દેશ કા વહ કામ સબ કીયે ચલો…”
સમન્વિત રીતે ગૂંથાયેલું હોય તેનું નામ સંગઠન. સંગઠન સ્વાર્થ માટે, સામૂહિક સ્વાસ્થ માટે પણ રચાય અને પરમાર્થ માટે પણ! સ્વાર્થ સાધવા માટે રચાયેલું સંગઠન અલ્પજીવી અને વિકારયુક્ત બની શકે છે. પરમાર્થ હેતુ માટે રચાયેલું સંગઠન દીર્ઘજીવી અને નિર્વિકાર બની રહે છે. સંગઠનમાં શક્તિ છે. સંગઠન પોતે શક્તિ છે.
सेनासंयुक्त शक्तिः सा कुरूते कार्यमुत्तमम्। कुटुम्बः संघटितं नूनं समाजोडपि तथा च सः।।
સેનાની સંયુક્ત શક્તિ જ કામ કરે છે. સંગઠિત કુટુંબ અને સમાજ ફલે ફૂલે છે. વિઘટન, ભેદ, ફૂટ, તકરાર માણસ માણસને તોડે છે. સમાજ અને રાષ્ટ્રને નબળાં પાડે છે. અધઃપતનનું કારણ બને છે. સંઘટન માણસ માણસને જોડે છે. મન અને હૃદયને સાંધે છે. સમાજ અને રાષ્ટ્રને ઉન્નત બનાવે છે.
દૈત્યરાજ બલિના સેનાપતિએ સ્વર્ગ પર આક્રમણ કર્યું. ત્યાંથી વિશ્વકર્માને પકડીને લઈ આવ્યા. બલિ રાજાએ પોતાના રાજ્યમાં ઇન્દ્રપુરી જેવું રાજ્યભવન બનાવવાનો આદેશ આપ્યો. સામાન ભેગો થયો. થોડા જ સમયમાં દૈત્યપુરી તૈયાર થઈ. હવે બલિએ વિશ્વ વિજયની તૈયારી કરી ને સેનાપતિઓને વિશ્વવિજય માટે સજાવીને મોકલ્યા. થોડા દિવસ સુધી તો સફળતા મળી. પણ હવે આગળ વધવું દૈત્ય સેના માટે મુશ્કેલ હતું. અસીમ જનતા આક્રમણકારીઓ સામે તૈયાર થઈ. બલિએ હવે આક્રમણ પડતું મૂક્યું. સેનાને પાછી બોલાવીને કહ્યું, ‘સૈનિકોને તો જીતી શકાય પરંતુ જનચેતના જાગી ઊઠી હોય એવા સંગઠિત જનમાનસને હરાવવું સંભવિત નથી.’
સાંકળની શક્તિ એની સૌથી નબળી કડી જેટલી છે. ત્યાંથી જ એ તૂટે. એવી જ રીતે સમાજની શક્તિ એના નીચામાં નીચા માણસમાં રહેલી છે. એના અંતઃકરણમાં સમાજ માટે કેટલી લાગણી અને સંવેદના છે એ જ સમાજની શક્તિનો માપદંડ બની શકે. ભારત અસંગઠિત હતું, નાત-જાત, ઊંચ-નીચના ભેદભાવમાં જકડાયેલું એટલે તો વિદેશી આક્રમણો સામે કાયમ પરાજિત થતું રહ્યું, અંતે હજાર વર્ષની ગુલામીનો ભોગ બન્યું. સંગઠન એક શ્રેષ્ઠ બાબત છે, સંઘશક્તિ ઉચ્ચ સિદ્ધાંત છે… એવું જાણ્યા પછી પણ સમાજના ઘટકો એ અંગે ઘણી વાર સમજતા નથી એને વ્યાવહારિક રીતે અપનાવવું મુશ્કેલ છે.
નાની નાની બાબતોમાં આપણે લડી પડીએ છીએ. ક્યાંક અહંકાર ટકરાય તો ક્યાંક સ્વાર્થ! લઘુમતી અને બહુમતી, સ્ત્રી જાતિ અને પુરુષ જાતિ જેવા પ્રશ્નોને લઈ હાથના એક વાર બે પક્ષ પડી ગયા. અંગૂઠો પુરુષ હતો છતાં લઘુમતીને કારણે પાછો પડ્યો. આંગળીઓ સ્ત્રી છતાં બહુમતીને કારણે જીતી ગઈ. એમણે પોતાની સ્વતંત્ર સભા બોલાવી… અને દરેકે પોતપોતાની ગુણવત્તા ઉપર ભાષણ કર્યું. સૌથી ટચલી કહે, ‘હું ભલે નાની છું છતાં માન-પાનમાં મોટી છું, લોકો સોનાની વીંટી મને પહેરાવે છે.’ અનામિકા કહે, ‘…પણ દેવપૂજાનું શ્રેય તો મને જ છે ને!’ મધ્યમા કહેવા લાગી, ‘તમને કદી મારા વિના ચાલ્યું છે? ઘડા ઉપર ટકોરા મારી તેની પરખ તો હું જ કરાવી આપું છું ને?’ તો તર્જની બોલી, ‘ભૂલ્યાં ભટક્યાંને આંગળી ચીંધવાનું પુણ્ય તો મને જ મળે છે ને!’ …અને સૌ એકીઅવાજે બોલી ઊઠી, ‘હા, હા, બરાબર છે. આજથી અંગૂઠાનું આપણને કશું કામ નથી. ઠિંગુજી કશો કામનો નથી.’ અંગૂઠો આ બધું સાંભળતો હતો, પણ તે પોતાના બચાવમાં કશું જ બોલ્યો નહીં. સભામાં ઠરાવ પસાર થયો, ‘આજથી અંગૂઠા સાથે અમારો કોઈ જ સંબંધ નથી. અમે તેનાથી છૂટાછેડા લઈએ છીએ.’ પરંતુ આશ્ચર્ય! ઠરાવનો એક પણ અક્ષર કાગળ ઉપર ન ઊઠ્યો, અંગૂઠાના બહિષ્કારનો ચમત્કાર આંગળીઓ સમજી ગઈ. ઠરાવ પાછો ખેંચી લેવાયો.
સંગઠનની ભૂમિકા બને, માનસિકતા બને તો જ સંગઠન થાય. એકવાર મનુષ્યનું મન સંગઠનની સંકલ્પના સ્વીકારે તો નજીવાં પ્રલોભનો કે આકર્ષણો એને ડગાવી શકતાં નથી.